Sukanya Samriddhi Yojana: સુકન્યા સમૃદ્ધિ યોજના, વ્યાજદર, ફોર્મ કેવી રીતે ભરવું તેની માહિતી

ભારત સરકાર દ્વારા દીકરીઓ માટે ઘણી બધી યોજનાઓ લાવતી હોય છે. તેવી જ એક દીકરી માટેની સુકન્યા સમૃદ્ધિ યોજના (Sukanya Samriddhi Yojana-SSY Gujarati) વિશે આજે આપણે અહિયાં માહિતી મેળવવાના છીએ.

સુકન્યા સમૃદ્ધિ યોજના એ દીકરીના જન્મથી લઈને તે 10 વર્ષની થાય ત્યાં સુધી આ યોજનામાં અરજી કરી શકાય છે. ઓછામાં ઓછા 250 રૂપિયા અને વધુમાં વધુ તમે 1.5 લાખ રૂપિયા આ યોજનામાં ઇન્વેસ્ટ કરી શકો છો.

આ યોજનામાં તમે જો દર મહીને સારી એવી રકમ જમા કરાવો છો તો 21 વર્ષે જ્યારે આ યોજનાનો લાભ તમને મળે છે ત્યારે તમને તમારી જમા કરેલ રકમ અને સાથે વ્યાજ મળીને કુલ 50 થી 60 લાખ રૂપિયા મળી શકે છે.

સુકન્યા સમૃદ્ધિ યોજના શું છે?

દીકરીઓનો જન્મ જ્યારે થાય છે ત્યારે આજ પણ ઘણા બધા એવા લોકો હોય છે કે જે જૂની માનસિકતા ધરાવતા હોય છે. આ માનસિકતા દીકરીઓ પ્રત્યે બદલવા માટે સરકાર દ્વારા અવનવી યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે.

તેવી જ એક યોજના સરકાર દ્વારા વર્ષ 2015 માં શરૂ કરવામાં આવી હતી જે ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ હતી. આ જ સાથે ભારત સરકાર દ્વારા સુકન્યા સમૃદ્ધિ યોજના શરૂ કરી છે.

દીકરીઓ જ્યારે મોટી થાય અને તેમના માતા-પિતા ઉપર આર્થિક બોજ ન પડે તે માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના થકી દિકરીના માતા-પિતા તેના શિક્ષણ અને લગ્નનો ખર્ચ ઉઠાવી શકે તે ઉદ્દેશ્ય સાથે આ યોજનાને શરૂ કરવામાં આવી છે.

આ યોજનાનો લાભ કોણ કોણ લઈ શકે છે?

સુકન્યા સમૃદ્ધિ યોજનામાં લાભ લેવા માટે દીકરી જ્યાં સુધી 10 વર્ષની ન થાય ત્યાં સુધી તમે આ યોજના હેઠળ ખાતું ખોલાવી અને રકમ જમા કરાવી શકો છો. જો દીકરી 10 વર્ષ પૂર્ણ કરે છે અને 1 દિવસ ઉપર જાય છે અને પછી તમે ખાતું ખોલાવા જશો તો આ યોજનાનો લાભ તમને મળશે નહીં.

કોઈપણ ભારતીય નાગરિક પોતાની દિકરીના નામે જ આ ખાતું ખોલાવી શકે છે. આ યોજનામાં તમે 250 રૂપિયા જમા કરાવીને ખાતું ખોલાવી શકાય છે. આ પછી દર વર્ષે તમે 1.5 લાખ રૂપિયા સુધીની રકમ જમા કરાવી શકો છો.

ખાતું ખૂલી ગયા બાદ તમારે 15 વર્ષ સુધી એકપણ મહિનો ચૂક્યા વગર આ ખાતામાં તમે તમારી અનુકૂળતા મુજબ તેમાં પૈસા જમા કરાવી શકો છો.

સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતું ખોલાવ્યા બાદ 15 વર્ષ સુધી તેમાં પૈસા જમા કરાવવાના હોય છે અને 6 વર્ષ સુધી એમ ને એમ પડી રાખવાના હોય છે. 21 વર્ષે આ યોજનાની મુદ્દત પૂર્ણ થતી હોય છે અને મુદત પૂર્ણ થયાં બાદ તે સંપૂર્ણ રકમ ખાતેદારને મળતી હોય છે.

સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ખાતું દેશની કોઈપણ પોસ્ટ ઓફિસ, સરકારી અથવા કોમર્શિયલ બેંકમા જઈને ખોલાવી શકાય છે.

આ યોજના દ્વારા શું ફાયદો થાય છે?

આ યોજનાનો મુખ્ય ફાયદો એ છે કે રોકાણ આવકવેરા ધારાની કલમ 80-સી હેઠળ કરમુક્તિ એટલે કે ઇન્કમ ટેક્સમાં લાભ આપે છે.

ગરીબ પરિવારો, નીચલા મધ્યમવર્ગના, મધ્યમવર્ગ અને અન્ય વર્ગના પરિવારોને આ યોજના થકી લાભ મળે છે. કેમ કે આ યોજનામાં ચક્રવૃદ્ધિ વ્યાજના ધોરણે વ્યાજની ચુકવણી કરવામાં આવતી હોય છે. તેના લીધે 21 વર્ષે જ્યારે રકમ પાકે છે ત્યારે તેમાં વધારો થતો હોય છે.

આ ખાતામાં જમા કરાવેલ પૈસા દીકરી જ્યારે લગ્ન માટે કાયદેસરની ઉંમરની થઈ જાય ત્યારે તે ખર્ચી શકાય છે. દીકરી 21 વર્ષની થાય ત્યાં સુધી ખાતામાંની ડિપોઝિટ પર વ્યાજ જમા થતું હોય છે.

આ ખાતામાં તમે મહિને અથવા વર્ષે તમે ઈચ્છો તેમ તેમાં પૈસા જમા કરાવી શકો છો. વર્ષે ઓછામાં ઓછા 250 રૂપિયા જમા કરાવવા જરૂરી હોય છે. જો તમે નથી કરતાં તો આવતા મહિને 50 રૂપિયા ફી ભરી અને તે જમા કરાવી શકો છો.

દીકરી જ્યારે 21 વર્ષની થઈ જાય પછી પણ આ ખાતામાંથી તમે જો નાણાં ઉપાડતાં નથી તો જમાં થયેલ નાણાં ઉપર તમને વ્યાજ મળતું રહે છે.

જો તમે આ ખાતું તમે જ્યાં હાલમાં રહો છો ત્યાં ખોલાવો છો અને ભવિષ્યમાં તમારે અલગ જગ્યા ઉપર રહેવા જવાનું થાય છે તો તમે ત્યાંની નજીકની પોસ્ટ ઓફિસ કે બેંકમાં તે ટ્રાન્સફર કરાવી શકો છો.

આ યોજનામાં ખાતું કેવી રીતે ખોલાવી શકાય?

તમારા ઘરની નજીકની પોસ્ટ ઓફિસમાં સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ તમે ત્યાં જઈને ખાતું ખોલાવી શકો છો. પોસ્ટ ઓફિસના કર્મચારી ની મદદ વડે તમે આ ખાતું ખોલાવી શકો છો.

આ યોજનાનું અરજી ફોર્મ ભર્યા બાદ તેની સાથે જોડાવામાં આવતા દસ્તાવેજ જોડી અને ફોર્મ આપવાનું હોય છે. દીકરીનું આધારકાર્ડ, જન્મનો દાખલો તમે રહેઠાણના પુરાવા તરીકે આપી શકો છો.

અરજીની સાથે ખાતું ખોલાવવા માટેની રકમ 250 રૂપિયા આપવાની હોય છે. ઈન્ટરનેટ બેન્કિંગના માધ્યમ દ્વારા પૈસા ટ્રાન્સફર કરવાની સુવિધા પણ ઉપલબ્ધ હોય છે.

તમે પોસ્ટ ઓફિસ અથવા તો નજીકની કોઈપણ ખાનગી અથવા સરકારી બેંકમાં જઈને આ વિશેની માહિતી મેળવી શકો છો અને ખાતું ખોલાવી શકો છો.

સુકન્યા સમૃદ્ધિ યોજના નિયમો અને શરતો

આ યોજના હેઠળ તમે ઓછામાં ઓછી 250 રૂપિયા રકમ જમા ન હોય તેવા ખાતાને ડિફોલ્ટ ખાતું ગણવામાં આવે છે. ફરીથી ખાતું શરૂ કરવા માટે 250 રૂપિયા ફરીથી જમા કરાવી અને સાથે 50 રૂપિયા દંડ ભરીને તમે શરૂ કરાવી શકો છો.

તમે તમારી દિકરીના નામે ખાતું ખોલાવ્યું છે તે 18 વર્ષની થાય પછી તે પોતાનું એકાઉન્ટ સંભાળી શકે છે. 18 વર્ષ પછી અથવા તો મુદ્દત પૂર્ણ થાય તે પહેલા ખાતું બંધ કરાવી શકાય છે.

જો દીકરીને કોઈ ગંભીર બીમારી થાય અથવા તો કોઈ તબીબી કારણસર મુદ્દત પહેલા તમે ખાતું બંધ કરાવી અને તે રકમનો ઉપાડ કરી શકો છો. મહત્વના કારણસર જ આ કરી શકાય છે અન્યથા પાકતી મુદતે જ રકમ મળી શકે છે.

સુકન્યા સમૃદ્ધિ યોજનાની વધારે માહિતી માટે તમે ટોલ-ફ્રી નંબર 1800 266 6868 ઉપર કોલ કરીને માહિતી મેળવી શકો છો.

સુકન્યા સમૃદ્ધિ યોજનાના જરૂરી દસ્તાવેજ

  • છોકરીનું જન્મ પ્રમાણપત્ર
  • માતા-પિતાનું આધાર કાર્ડ
  • છોકરીનું આધાર કાર્ડ
  • પાસપોર્ટ ફોટો
  • મોબાઇલ નંબર

સુકન્યા સમૃદ્ધિ યોજનાના વ્યાજદર

સમયગાળોવ્યાજદર(%)
03.12.2014 TO 31.03.20159.1
01.04.2015 TO 31.03.20169.2
01.04.2016 TO 30.09.20168.6
01.10.2016 TO 31.03.20178.5
01.04.2017 TO 30.06.20178.4
01.07.2017 TO 31.12.20178.3
01.01.2018 TO 30.09.20188.1
01.10.2018 TO 30.06.20198.5
01.07.2019 TO 31.03.20208.4
01.04.2020 TO 31.03.20237.6
01.04.2023 TO 31.12.20238.0
01.01.2024 TO 30.09.20248.2

સારાંશ

સુકન્યા સમૃદ્ધિ યોજના એ સરકાર દ્વારા દીકરીઓના ભવિષ્ય માટે શરૂ કરવામાં આવી છે. દીકરી જ્યારે મોટી થાય ત્યારે તેના માતા-પિતા તેનો યોગ્ય ઉપયોગ કરી શકે તે માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ વર્ષ 2024માં 8.2 ટકા વ્યાજ મળે છે. જે ઉપર ટેબલમાં આપેલ છે. વધુ માહિતી માટે તમે પોસ્ટ ઓફિસ અથવા નજીકની ખાનગી અથવા સરકારી બેંકમા જઈને માહિતી મેળવી શકો છો.

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *