GPSC પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી?

ગુજરાત જાહેર સેવા આયોગ જેને ટૂંકમાં જીપીએસસી (GPSC) કહેવામાં આવે છે જે દર વર્ષે નવી નવી ભરતી બહાર પાડતું હોય છે. જેમાં ક્લાસ 1-2 અને કલાસ-3 ની જગ્યાઓ બહાર પડતી હોય છે. હવે આ GPSC ની આ પરીક્ષાઓની તૈયારી કેવી રીતે કરવી તેના વિશે તમને અહિયાં માર્ગદર્શન આપવાના છીએ.

GPSC દ્વારા સિવિલ સર્વિસિસ પરીક્ષા, નાયબ મામલતદાર, નાયબ સેકશન અધિકારી, તાલુકા વિકાસ અધિકારી જેવી ઘણી બધી પોસ્ટ માટે પરીક્ષાઓ લેવામાં આવતી હોય છે. જેનું કેલેન્ડર GPSC દ્વારા બહાર પાડવામાં આવતું હોય છે અને તેમાં કેટલી જગ્યાઓ માટે ભરતી થશે અને કઈ તારીખે પરીક્ષા આવશે તેની માહિતી પણ આપવામાં આવતી હોય છે.

GPSC પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી
વાંચો ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા લેવામાં આવતી ક્લાસ 1-2 ની પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી તેના વિશે વિગતવાર માહિતી.

GPSC ની વિવિધ પરીક્ષાઓની તૈયારી કેવી રીતે કરવી?

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જે પરીક્ષાઓ લેવામાં આવે છે તે અન્ય પરીક્ષાઓ કરતાં જુદી અને અઘરી હોય છે. આ પરીક્ષા આપવામાં માટે લાખો ઉમેદવારો ફોર્મ ભરતા હોય છે અને થોડા ઘણા ઉમેદવારો પાસ થતાં હોય છે. માટે જ અમે અહિયાં તમને આ પરીક્ષાઓની તૈયારી કેવી રીતે કરવી તેની માહિતી આપવાના છીએ જે આગળ વાંચો.

1) જે તે પરીક્ષા વિશે માહિતી મેળવો

સૌપ્રથમ તમારે જે પોસ્ટ માટે તમે ફોર્મ ભરવા માંગો છો તેના વિશે સંપૂર્ણ માહિતી તમને ખબર હોવી જરૂરી છે. જેમ કે આ પોસ્ટ કઈ છે, તેમાં કયા વિભાગમાં તમને નોકરી મળશે, પોસ્ટ માટે શું શું ધારાધોરણ છે આ બધી જ માહિતી તમને ખબર હોવી જરૂરી છે. નોટિફિકેશન વાંચ્યા વગર કોઈપણ પોસ્ટ માટે અરજી કરવી નહીં. આખી નોટિફિકેશનનો અભ્યાસ કર્યા બાદ જ તમારે તે માટે અરજી કરવી.

2) પરીક્ષાનો અભ્યાસક્રમ વાંચો

કોઇપણ પરીક્ષાની તમે તૈયારી કરતાં હોવ તેના અભ્યાસક્રમ મુજબ જ તેની પરીક્ષા લેવામાં આવતી હોય છે માટે સૌથી પહેલા તેનો અભ્યાસક્રમ નોટિફિકેશનમાં આપેલો હોય છે અથવા તો અલગ થી મૂકવામાં આવતો હોય છે તેનો સંપૂર્ણ અભ્યાસ કરી અને તે મુજબ પદ્ધતિસર રીતે તૈયારી કરવાનું ચાલુ કરો. જેમ કે ક્લાસ 1-2 પોસ્ટ માટે પ્રિલિમ, મેન્સ અને ઈન્ટરવ્યૂ આ ત્રણ તબક્કામાં પરીક્ષા લેવામાં આવતી હોય છે માટે તમારે તે મુજબની તૈયારી કરવાની રહે છે. આ માટે અભ્યાસક્રમ જોવો ખૂબ જ જરૂરી બને છે અને તૈયારી કરવામાં પણ સરળતા રહે છે.

3) ટાઈમ ટેબલ બનાવવું

ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષા અથવા તો અન્ય પરીક્ષામાં સફળ થયેલ ઉમેદવારોના ઈન્ટરવ્યૂ જોશો તો તમને ખ્યાલ આવશે કે તેઓ પદ્ધતિસર રીતે તૈયારી કરતાં હોય છે. જેના માટે ટાઈમટેબલની જરૂર પડતી હોય છે. ટાઈમ ટેબલ બનાવી તમે એક એક વિષય પાછળ યોગ્ય સમય આપી શકો છો અને તમારી તૈયારી પદ્ધતિસર રીતે થતી હોય છે.

ટાઈમ ટેબલ બનાવો તો તેમાં પહેલા અઘરા વિષય ને પસંદ કરો અને પછી એક સરળ વિષય તમને જે પસંદ હોય તે રાખો અને ફરી પાછો કોઈ અઘરો વિષય હોય તે પસંદ કરો. આમ કરવાથી તમને તૈયારી કરવામાં કંટાળો નહીં આવે અને તૈયારી પણ સારી એવી રીતે થશે. ટાઈમ ટેબલ બનાવો તો એમાં એક વિષય પછી 15 મિનિટનો બ્રેક લેવો જેથી તમારું મન હળવું થાય અને તૈયારી કરવામાં સરળતા રહે.

4) સ્ટડી મટિરિયલ ભેગું કરવું

ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાની તૈયારી કરવા માટે તમારે ઓર્થેન્ટિક બુક્સની જરૂર પડતી હોય છે. માટે એવું મટિરિયલ ભેગું કરવું જે તમારે આ પરીક્ષાઓમાં કામ આવે જેમ કે ગ્રંથ નિર્માણની બુકસ, GCERT-NCERT ની બુક્સ જેવી ઓર્થેન્ટિક બુક્સ લાવી અને તેમાંથી તૈયારી કરવી તો જ આ પરીક્ષાઓમાં તમે સફળ થઈ શકો છો. આ પરીક્ષાઓની તૈયારી કરવા માટે સિલેબસ મુજબ તમારી પાસે મટિરિયલ હોવું જરૂરી છે.

5) અગાઉના વર્ષના જૂના પેપર ભેગા કરવા

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા અગાઉના વર્ષોમાં લેવામાં આવેલ હોય તેવી પરીક્ષાઓના પેપર ભેગા કરવા અને તેનો અભ્યાસ કરવો. આના ઉપરથી તમને ખ્યાલ આવશે તે આ પરીક્ષાઓમાં કયા લેવલ સુધીનું પૂછવામાં આવે છે અને તે મુજબ તમને તૈયારી કરવાનો ખ્યાલ આવશે. આ પેપરનો અભ્યાસ કરશો તો અમુક પ્રશ્નો બેઠા પૂછવામાં આવશે તો તમને ઉપયોગી બની રહેશે માટે અગાઉની પરીક્ષાના પેપરનો અભ્યાસ ખાસ કરવો.

6) રિવિઝન ઉપર ખાસ ધ્યાન આપવું

કોઈપણ પરીક્ષાની તમે તૈયારી કરી રહ્યા હોય તેની તૈયારી કરતી વખતે તમારે રિવિઝન કરવું ખૂબ જ જરૂરી બને છે. રિવિઝન કરવાથી તમે જે વાંચ્યું હોય તે તમને લાંબા સમયગાળા સુધી યાદ રહે છે અને તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી બને છે. જો તમે આજે કોઈપણ વિષય વાંચવા બેસો છો તો આવતીકાલે પહેલા જે વાંચ્યું હોય તેનું એકવાર રિવિઝન ખાસ કરી લ્યો. આમ કરવાથી તમને જે તે વિષયની તૈયારી કરવામાં ખૂબ જ સરળતા રહેશે.

7) દરેક વિષયની નોટ્સ બનાવવી

કોઈપણ વિષયની તૈયારી તમે કરી રહ્યા હોય તો તેની નોટ્સ બનાવવી ખૂબ જ જરૂરી હોય છે. આમ કરવાથી તમને પરીક્ષાના આગળના દિવસોમાં અને રિવિઝન કરતી વખતે સરળતા રહે છે. નોટ્સ એવી બનાવો કે જેમાં મુખ્ય મુખ્ય મુદ્દા આવી જતાં હોય જે તમારે પરીક્ષામાં કામ આવવાના હોય. નોટ્સમાં તમે જે પણ લખો તે પોઈન્ટ બનાવી લખો જેથી તમારે વાંચવામાં મુશ્કેલી ન પડે અને તમારો સમય પણ બચે અને રિવિઝન પણ સરળતાથી થઈ જાય.

8) સમયસર ઊંઘ લો અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખો

પરીક્ષાની તૈયારી સમયે પોતાનું સ્વાસ્થ્ય સારી રીતે જળવાઈ રહે તેની ખાસ તકેદારી રાખવાની હોય છે. આ માટે તમારે સમયસર ઊંઘ લેવી પણ આવશ્યક છે અને ખોરાક પણ એ પ્રમાણે લેવો જે તમારા સ્વાસ્થ્ય માટે સારો હોય. જો તમે બીમાર પડો છો તો તમારી તૈયારી ઉપર તેની અસર પડે છે અને તમારું ટાઈમટેબલ પણ ખોરવાઈ જાય છે. માટે તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવુ. જો તમે 6 થી 8 કલાકની પૂરતી ઊંઘ લો છો તો તમને તૈયારી કરવામાં પણ મજા આવશે અને દિવસ તંદુરસ્તી ભર્યો જશે.

નિષ્કર્ષ

ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાની તૈયારી કરવા માટે તમારે પદ્ધતિસર રીતે તૈયારી કરવાની રહે છે. મિત્રો ઉપર આપેલ માહિતી માત્ર જાણકારી માટે અને તમને મોટીવેશન મળી રહે તૈયારી કરવા માટે તે હેતુસર જ મૂકવામાં આવી છે. તમે તેમાં ફેરફાર કરી અને તમારી રીતે પણ તૈયારી કરી શકો છો. તમારી પાસે આનાથી સારી માહિતી હોય તો કોમેન્ટ બોક્સ દ્વારા અમને જણાવી શકો છો. આભાર.

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *